એક બગીચાની બેન્ચ પાસે દરરોજ રાત દિવસ એક પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે ઉભો રહે. કોઈએ તેને પુછયું કે તેને અહીં કેમ ઉભો રાખ્યો તો જવાબમાં બસ એટલું જ કહે કે અમારા સરનો ઓર્ડર છે ,તેને ખબર. જ્યારે તેના સરને પૂછવામાં આવ્યું કે અહીં પોલીસ સિક્યુરિટી કેમ? તો જવાબ ફરી પાછો એ જ કે મારી બદલી થઈને હું અહી આવ્યો એ પહેલાની અહીં ડયુટી શરૂ છે. તેની પહેલાના નિવૃત અધિકારીઓ સુધી આ સવાલ લંબાતો ગયો પણ જવાબ એક જ મળ્યો કે પહેલાથી જ ત્યાં પોલીસનો પોઇન્ટ છે. હકીકત જાણવા ઈચ્છુક એક વ્યક્તિ ત્રીસ વર્ષ પહેલાના તે સ્થળ પર ફરજ બજાવતા એક અધિકારી સુધી પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જે તે સમયે એક નેતાએ લગાવેલા તે નવા બાંકડાને પોતાની ગ્રાન્ટમાંથી તાજો રંગ કરેલ હોવાથી લીલા બાંકડા પર કોઈ બેસે નહિ એ માટે ત્યાં એક માણસ ચોકીદાર તરીકે લગાવાનો નેતાશ્રીએ પોલીસ કચેરીને કહેલું અને કચેરીમાંથી તેના માટે એક માણસનો ઓર્ડર છૂટી ગયો. બાંકડાનો રંગ સુકાય એ પહેલાં પોલીસ ઇન્ચાર્જની બદલી થઈ ગઈ અને આજે પણ બદલી પછી આવેલ દરેક ઓફિસર તે ઓર્ડરનું આંધળું પાલન કરાવે છે. આજે પણ તે કારણે એક પોલીસ સ્ટાફ બેન્ચ પાસે વેડફાય છે.
મુંબઈમાં બહુમાળી એક ઇમારતમાં આગ લાગ્યા બાદ દાઝેલા ઝખમી લોકોને બાજુની એક હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જવાયા. પરંતુ દાખલ કરતા પહેલા દરેક પીડિતના કોરોના રિપોર્ટ માંગવામાં આવ્યા. જેને લીધે સારવારમાં વિલંબ થયો.
ગત કોરોના લહેરમાં એક પેરેલાઈઝડ વૃદ્ધાને તેનો પુત્ર રિક્ષામાં લઈને ગામડાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવ્યો. હલનચલન ન કરી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં એક પ્રાઇવેટ હોસ્પિટલે તેનું નિદાન કર્યું પણ કોરોનાના રિપોર્ટ વગર દાખલ કરવાની ના પાડી. એ સમયે રિપોર્ટ માટે પણ સાંજ સુધી ક્યાંય વારો આવતો ન હોવાથી પોતાની માંને લઈને મોટા શહેરમાંથી ગામડા તરફ લાંબો થયો. દુર્ભાગ્યવશ તેનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પણ સારવારમાં વિલંબને કારણે તેની જિંદગીનો રિપોર્ટ પણ થોડા જ દિવસોમાં નેગેટિવ થઈ ગયો.
હોસ્ટેલમાં રેક્ટર અને સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે કે હોસ્ટેલમાં આવતા પહેલા RTPCR રિપોર્ટ ફરજિયાત કર્યા. હાલમાં જ્યાં ખરેખર લક્ષણો વાળા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટનો લોડ એટલો છે કે 4 દિવસ બાદ રિઝલ્ટ આવે છે ત્યારે આવી રીતે વધારાના કોઈપણ લક્ષણો વગર આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના રિપોર્ટ શું ખરેખર જરૂરતમંદ દર્દીઓ માટે આપણી અછતગ્રસ્ત સિસ્ટમમાં અવરોધરૂપ નહિ બને?
આ ઉદાહરણો ફક્ત કોરોના ટેસ્ટની બાબતમાં જ છે પણ ખરેખર દરેક બાબતમાં લાગુ પડે છે. તાલુકાની કચેરીએ હાથના અંગુઠાની ઘસાઈ ગયેલી રેખાઓને કારણે બાયોમેટ્રિકમાં થતી તકલીફોને લીધે ધક્કાઓ ખાતા વૃદ્ધ લોકો પણ આ જ પ્રકારની હેરાનગતિનો ભોગ બને છે. થોડા સમય પહેલા પંકજ ત્રિપાઠી અભિનીત 'કાગઝ' ફિલ્મમાં આ જ કાયદાકીય મહામારીનો ભોગ બનેલ વ્યક્તિની સત્યઘટના બતાવાઈ છે જેમાં વ્યક્તિ જીવિત હોવા છતાં તેની પાસે પોતે જીવિત હોવાનો કોઈ પુરાવો ન હોવાથી રોજિંદા જીવનમાં તકલીફોમાં મુકાઈ જાય છે.
આ કોઈ સરકારી તંત્ર કે પ્રાઇવેટ સેક્ટરનો પર્સનલ પ્રોબ્લેમ નહિ પણ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. સરકારી કચેરીઓથી લઈને કોર્પોરેટ દુનિયા પણ આવા જડ નિયમોથી ખદબદે છે. ઘણીવાર નિયમો લાગુ કર્યા બાદ તેની વેલીડિટી અને નેસેસિટી પણ નક્કી કરવી પડતી હોય છે. માત્ર 'આગે સે ચલી આતી હૈ' સમજીને અનંત કાળ સુધી જીવનમૂલ્યો અચળ રહે, કાયદાઓ ન ચાલે.
કાયદાઓની ગૂંચવણ કેટલાય લોકોને ન્યાય માટે કોર્ટનું પગથિયું ચડતા અટકાવે છે તો કેટલાક માટે સમયનો વેડફાટ બની રહે છે. જેવી રીતે મોંઘવારી દર વધી રહ્યો છે તેવી જ રીતે 'સત્યમેવ જયતે' પ્રત્યે લોકોનો શંકાનો દર વધી રહ્યો છે. અહીં સત્ય પોલિસી મેકર માટે પણ જુદું છે અને પોલિસી કન્ઝ્યુમર માટે પણ જુદું છે. એટલે દરેક પોતાના સત્યના જય માટે આંધળા દોડી રહ્યા છે. પોલિસીમાં ફ્લેકસીબીલીટી લાવીને લોકોને મદદ કરવાની કળા બ્યુરોક્રેસીમાં ક્યાંય જોવા મળતી નથી તો સામે પક્ષે ડેમોક્રેસી પણ આ માટે લાયકાત ગુમાવી રહી છે. પોલીસીને વળગી રહીને બુદ્ધિને અલગ કરી નાંખવી એ બંધારણ કદી ના હોઈ શકે, કેટલીકવાર વિવેકબુદ્ધિ વડે કાયદાઓ અને નિયમો કરતા લોકસેવાને વધુ પ્રાધાન્ય આપવું પડે છે. શું કાયદાઓની બહાર જઈને કોઈને સેવા આપવી એ ગુનો છે? ના, પણ બીજી રીતે જોઈએ તો આ એક લુપહોલ પણ બની રહે છે. જ્યારે કોઈ સરકારી કે કોર્પોરેટ અધિકારી નિયમોને ન વળગીને પોતાની વિવેકબુદ્ધિ કામે લગાવે અને લોકહિત માટે નિર્ણયો લે તો તરત જ તેની કેટેગરી લાગવગ કે ભ્રષ્ટાચારમાં આવી શકે છે.
ઘણીવાર નિર્ણયો તમારી પદ અને પાવરની ઉપર થઈને લેવા પડતા હોય છે. ઉપરોક્ત નોંધેલા કિસ્સાઓની જેમ જો જડ રીતે વળગી રહેવામાં આવે તો પણ ઘણા નુકશાન થતા રહે છે જેનું મુખ્ય કારણ પોલિસી મેકર અને બ્યુરોક્રેટ્સનો લોકોની હાલાકી સાથેનો ઘટી રહેલો સીધો સંબંધ છે. વાતાનુકુલીત ચેમ્બરમાં બેઠેલા બાબુઓ જમીની વાસ્તવિકતાથી અળગા હોય છે એટલું જ નહીં પણ સાથે સાથે પોતાની જડ પોલિસીઓને અભણ નેતાઓના બેકઅપ વડે લોકો પર થોપતા હોય છે જેનો હકીકતે લાભ લેનાર જનસમુદાય પણ બહોળો હોય છે પરંતુ અપવાદરૂપ લોકો માટે ફ્લેકસીબલ થવું ગુનો બની જતું હોય છે.
આ ફ્લેકસીબીલીટીને ગુનો માનવા માટે ફક્ત પોલિસી મેકર્સ જવાબદાર નથી પણ આગળ કહ્યું એમ ડેમોક્રેસી પણ એટલી જ જવાબદાર છે. જ્યારે કોઈ એકને વિવેકબુદ્ધિ વડે છૂટછાટ અપાય ત્યારે કેટલાક લોકો માટે તે ખટકો બની જાય છે અને લોકશાહીના નામે તેના પગ ખેંચવાના શરૂ થાય છે. કોઈ પ્રાઇવેટ ફર્મમાં કામ કરતા બે એમ્પ્લોયિમાં એક વધુ ચડિયાતો હોય અને તેને જો બીજા એમ્પ્લોયિની સાપેક્ષે ઓફીસ અવર્સ અને રજાઓમાં વધુ છૂટછાટ મળતી હોય તો તરત જ બીજા એમ્પ્લોયિને સમાનતાના બોધપાઠ યાદ આવશે અને ઈર્ષ્યા થશે. બસ આ પડોજણમાંથી બચવા બુદ્ધિને નેવે મૂકીને કોઈપણ કાયદાઓ કે સ્થાનિક સંસ્થાઓના નિયમોનું આંધળું ચુસ્ત પાલન કરવાનો જિદ્દી આગ્રહ રાખવામાં આવે છે.
બ્યુરોકરેટ્સ, કોર્પોરેટના મોટા અધિકારીઓ કે નેતાઓ જે કોઈ નેશનલ કે સ્થાનિક કાયદાઓ, નિયમો, શિસ્ત અથવા પોલિસી બનાવે છે તેના માટે આ એક મોટો પડકાર છે કે પોલિસીને લાગુ કરવામાં કોઈને અન્યાય ન થઈ જાય અને સામે આ પોલિસીના લુપહોલનો ઉપયોગ કરીને કોઈ સિસ્ટમને ઉલ્લુ ના બનાવી જાય. ભારતમાં આ કામ કરવું કે કરાવવું એ કોઈ નવી વેક્સિનના સંશોધન કરતા પણ વધુ પડકારરૂપ છે, કારણકે નિયમોનું પાલન કરવું અને નૈતિકતાનું પાલન કરવું એ બન્ને વચ્ચે બહુ મોટો તફાવત છે.
સુપર ઓવર: એક કાલ્પનિક ચૂંટણી ઢંઢેરો- ખેડૂતને શિયાળામાં પિયત કરતી વખતે ઠંડી ના લાગે તે હેતુસર દરેક બોરવેલ કે કુવા માટે અમારી સરકાર મફત ગીઝર આપશે જેથી પાણી ગરમ કરીને ખેતરમાં પિયત કરી શકાય. આ માટે દરેક ખેડૂતે પોતાના કુવા કે બોરવેલમાં કેટલા લીટર પાણી છે તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.*
*કન્ડિશન એપ્લાય
sandy very nice thinking yaar...mne vichatro kryo hoooo.mst lakhu 6 bhai
ReplyDeleteThank you... 🙏
Deleteવાસ્તવિક ચિત્ર ને ખુબ સરળ તથા સહજ રીતે આપની કલમ દ્વારા વાચા મળી છે .
ReplyDelete🙏
Delete