Skip to main content

બહુજન હિતાય બહુજન સુખાય, નિયમોને કદીએ નેવે ન મુકાય?


એક બગીચાની બેન્ચ પાસે દરરોજ રાત દિવસ એક પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે ઉભો રહે. કોઈએ તેને પુછયું કે તેને અહીં કેમ ઉભો રાખ્યો તો જવાબમાં બસ એટલું જ કહે કે અમારા સરનો ઓર્ડર છે ,તેને ખબર. જ્યારે તેના સરને પૂછવામાં આવ્યું કે અહીં પોલીસ સિક્યુરિટી કેમ?  તો જવાબ ફરી પાછો એ જ કે મારી બદલી થઈને હું અહી આવ્યો એ પહેલાની અહીં ડયુટી શરૂ છે. તેની પહેલાના નિવૃત અધિકારીઓ સુધી આ સવાલ લંબાતો ગયો પણ જવાબ એક જ મળ્યો કે પહેલાથી જ ત્યાં પોલીસનો પોઇન્ટ છે. હકીકત જાણવા ઈચ્છુક એક વ્યક્તિ ત્રીસ વર્ષ પહેલાના તે સ્થળ પર ફરજ બજાવતા એક અધિકારી સુધી પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જે તે સમયે એક નેતાએ લગાવેલા તે નવા બાંકડાને પોતાની ગ્રાન્ટમાંથી તાજો રંગ કરેલ હોવાથી લીલા બાંકડા પર કોઈ બેસે નહિ એ માટે ત્યાં એક માણસ ચોકીદાર તરીકે લગાવાનો નેતાશ્રીએ પોલીસ કચેરીને કહેલું અને કચેરીમાંથી તેના માટે એક માણસનો ઓર્ડર છૂટી ગયો. બાંકડાનો રંગ સુકાય એ પહેલાં પોલીસ ઇન્ચાર્જની બદલી થઈ ગઈ અને આજે પણ બદલી પછી આવેલ દરેક  ઓફિસર તે ઓર્ડરનું આંધળું પાલન કરાવે છે. આજે પણ તે કારણે એક પોલીસ સ્ટાફ બેન્ચ પાસે વેડફાય છે.


મુંબઈમાં બહુમાળી એક ઇમારતમાં આગ લાગ્યા બાદ દાઝેલા ઝખમી લોકોને બાજુની એક હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જવાયા. પરંતુ દાખલ કરતા પહેલા દરેક પીડિતના કોરોના રિપોર્ટ માંગવામાં આવ્યા. જેને લીધે સારવારમાં વિલંબ થયો.


ગત કોરોના લહેરમાં એક પેરેલાઈઝડ વૃદ્ધાને તેનો પુત્ર રિક્ષામાં લઈને ગામડાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવ્યો. હલનચલન ન કરી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં એક પ્રાઇવેટ હોસ્પિટલે તેનું નિદાન કર્યું પણ કોરોનાના રિપોર્ટ વગર દાખલ કરવાની ના પાડી. એ સમયે રિપોર્ટ માટે પણ સાંજ સુધી ક્યાંય વારો આવતો ન હોવાથી પોતાની માંને લઈને મોટા શહેરમાંથી ગામડા તરફ લાંબો થયો. દુર્ભાગ્યવશ તેનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પણ સારવારમાં વિલંબને કારણે તેની જિંદગીનો રિપોર્ટ પણ થોડા જ દિવસોમાં નેગેટિવ થઈ ગયો.


હોસ્ટેલમાં રેક્ટર અને સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે કે હોસ્ટેલમાં આવતા પહેલા RTPCR રિપોર્ટ ફરજિયાત કર્યા. હાલમાં જ્યાં ખરેખર લક્ષણો વાળા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટનો લોડ એટલો છે કે 4 દિવસ બાદ રિઝલ્ટ આવે છે ત્યારે આવી રીતે વધારાના કોઈપણ લક્ષણો વગર આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના રિપોર્ટ શું ખરેખર જરૂરતમંદ દર્દીઓ માટે આપણી અછતગ્રસ્ત સિસ્ટમમાં અવરોધરૂપ નહિ બને?


આ ઉદાહરણો ફક્ત કોરોના ટેસ્ટની બાબતમાં જ છે પણ ખરેખર દરેક બાબતમાં લાગુ પડે છે. તાલુકાની કચેરીએ હાથના અંગુઠાની ઘસાઈ ગયેલી રેખાઓને કારણે બાયોમેટ્રિકમાં થતી તકલીફોને લીધે ધક્કાઓ ખાતા વૃદ્ધ લોકો પણ આ જ પ્રકારની હેરાનગતિનો ભોગ બને છે. થોડા સમય પહેલા પંકજ ત્રિપાઠી અભિનીત 'કાગઝ' ફિલ્મમાં આ જ કાયદાકીય મહામારીનો ભોગ બનેલ વ્યક્તિની સત્યઘટના બતાવાઈ છે જેમાં વ્યક્તિ જીવિત હોવા છતાં તેની પાસે પોતે જીવિત હોવાનો કોઈ પુરાવો ન હોવાથી રોજિંદા જીવનમાં તકલીફોમાં મુકાઈ જાય છે.


આ કોઈ સરકારી તંત્ર કે પ્રાઇવેટ સેક્ટરનો પર્સનલ પ્રોબ્લેમ નહિ પણ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. સરકારી કચેરીઓથી લઈને કોર્પોરેટ દુનિયા પણ આવા જડ નિયમોથી ખદબદે છે. ઘણીવાર નિયમો લાગુ કર્યા બાદ તેની વેલીડિટી અને નેસેસિટી પણ નક્કી કરવી પડતી હોય છે. માત્ર 'આગે સે ચલી આતી હૈ' સમજીને અનંત કાળ સુધી જીવનમૂલ્યો અચળ રહે, કાયદાઓ ન ચાલે. 


કાયદાઓની ગૂંચવણ કેટલાય લોકોને ન્યાય માટે કોર્ટનું પગથિયું ચડતા અટકાવે છે તો કેટલાક માટે સમયનો વેડફાટ બની રહે છે. જેવી રીતે મોંઘવારી દર વધી રહ્યો છે તેવી જ રીતે 'સત્યમેવ જયતે' પ્રત્યે લોકોનો શંકાનો દર વધી રહ્યો છે. અહીં સત્ય પોલિસી મેકર માટે પણ જુદું છે અને પોલિસી કન્ઝ્યુમર માટે પણ જુદું છે. એટલે દરેક પોતાના સત્યના જય માટે આંધળા દોડી રહ્યા છે. પોલિસીમાં ફ્લેકસીબીલીટી લાવીને લોકોને મદદ કરવાની કળા બ્યુરોક્રેસીમાં ક્યાંય જોવા મળતી નથી તો સામે પક્ષે ડેમોક્રેસી પણ આ માટે લાયકાત ગુમાવી રહી છે. પોલીસીને વળગી રહીને બુદ્ધિને અલગ કરી નાંખવી એ બંધારણ કદી ના હોઈ શકે, કેટલીકવાર વિવેકબુદ્ધિ વડે કાયદાઓ અને નિયમો કરતા લોકસેવાને વધુ પ્રાધાન્ય આપવું પડે છે. શું કાયદાઓની બહાર જઈને કોઈને સેવા આપવી એ ગુનો છે? ના, પણ બીજી રીતે જોઈએ તો આ એક લુપહોલ પણ બની રહે છે. જ્યારે કોઈ સરકારી કે કોર્પોરેટ અધિકારી નિયમોને ન વળગીને પોતાની વિવેકબુદ્ધિ કામે લગાવે અને લોકહિત માટે નિર્ણયો લે તો તરત જ તેની કેટેગરી લાગવગ કે ભ્રષ્ટાચારમાં આવી શકે છે.


ઘણીવાર નિર્ણયો તમારી પદ અને પાવરની ઉપર થઈને લેવા પડતા હોય છે. ઉપરોક્ત નોંધેલા કિસ્સાઓની જેમ જો જડ રીતે વળગી રહેવામાં આવે તો પણ ઘણા નુકશાન થતા રહે છે જેનું મુખ્ય કારણ પોલિસી મેકર અને બ્યુરોક્રેટ્સનો લોકોની હાલાકી સાથેનો ઘટી રહેલો સીધો સંબંધ છે. વાતાનુકુલીત ચેમ્બરમાં બેઠેલા બાબુઓ જમીની વાસ્તવિકતાથી અળગા હોય છે એટલું જ નહીં પણ સાથે સાથે પોતાની જડ પોલિસીઓને અભણ નેતાઓના બેકઅપ વડે લોકો પર થોપતા હોય છે જેનો હકીકતે લાભ લેનાર જનસમુદાય પણ બહોળો હોય છે પરંતુ અપવાદરૂપ લોકો માટે ફ્લેકસીબલ થવું ગુનો બની જતું હોય છે.


આ ફ્લેકસીબીલીટીને ગુનો માનવા માટે ફક્ત પોલિસી મેકર્સ જવાબદાર નથી પણ આગળ કહ્યું એમ ડેમોક્રેસી પણ એટલી જ જવાબદાર છે. જ્યારે કોઈ એકને વિવેકબુદ્ધિ વડે છૂટછાટ અપાય ત્યારે કેટલાક લોકો માટે તે ખટકો બની જાય છે અને લોકશાહીના નામે તેના પગ ખેંચવાના શરૂ થાય છે. કોઈ પ્રાઇવેટ ફર્મમાં કામ કરતા બે એમ્પ્લોયિમાં એક વધુ ચડિયાતો હોય અને તેને જો બીજા એમ્પ્લોયિની સાપેક્ષે ઓફીસ અવર્સ અને રજાઓમાં વધુ છૂટછાટ મળતી હોય તો તરત જ બીજા એમ્પ્લોયિને સમાનતાના બોધપાઠ યાદ આવશે અને ઈર્ષ્યા થશે. બસ આ પડોજણમાંથી બચવા બુદ્ધિને નેવે મૂકીને કોઈપણ કાયદાઓ કે સ્થાનિક સંસ્થાઓના નિયમોનું આંધળું ચુસ્ત પાલન કરવાનો જિદ્દી આગ્રહ રાખવામાં આવે છે.


બ્યુરોકરેટ્સ, કોર્પોરેટના મોટા અધિકારીઓ કે નેતાઓ જે કોઈ નેશનલ કે સ્થાનિક કાયદાઓ, નિયમો, શિસ્ત અથવા પોલિસી બનાવે છે તેના માટે આ એક મોટો પડકાર છે કે પોલિસીને લાગુ કરવામાં કોઈને અન્યાય ન થઈ જાય અને સામે આ પોલિસીના લુપહોલનો ઉપયોગ કરીને કોઈ સિસ્ટમને ઉલ્લુ ના બનાવી જાય. ભારતમાં આ કામ કરવું કે કરાવવું એ કોઈ નવી વેક્સિનના સંશોધન કરતા પણ વધુ પડકારરૂપ છે, કારણકે નિયમોનું પાલન કરવું અને નૈતિકતાનું પાલન કરવું એ બન્ને વચ્ચે બહુ મોટો તફાવત છે.


સુપર ઓવર: એક કાલ્પનિક ચૂંટણી ઢંઢેરો- ખેડૂતને શિયાળામાં પિયત કરતી વખતે ઠંડી ના લાગે તે હેતુસર દરેક બોરવેલ કે કુવા માટે અમારી સરકાર મફત ગીઝર આપશે જેથી પાણી ગરમ કરીને ખેતરમાં પિયત કરી શકાય. આ માટે દરેક ખેડૂતે પોતાના કુવા કે બોરવેલમાં કેટલા લીટર પાણી છે તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.*

*કન્ડિશન એપ્લાય



Comments

  1. sandy very nice thinking yaar...mne vichatro kryo hoooo.mst lakhu 6 bhai

    ReplyDelete
  2. વાસ્તવિક ચિત્ર ને ખુબ સરળ તથા સહજ રીતે આપની કલમ દ્વારા વાચા મળી છે .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...