Skip to main content

ભારતમાં ફાર્મસીસ્ટ માટે લોકોની પાંચ ગેરમાન્યતાઓ



આમ તો ગેરમાન્યતાઓને(misconceptions) ભારત સાથે બહુ જૂનો સંબંધ છે આમ છતાં કોઈ પણ ક્ષેત્ર ભારતમાં એવું તો નહીં જ મળે કે જેની સાથે ખોટી ગેરસમજ જોડાયેલી ના હોય. ક્યારેક લોકોની રૂઢિચુસ્ત સમજણ હોય તો ક્યારેક નિરક્ષરતા હોય તો વળી ક્યારેક જાગૃતિનો અભાવ પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણને અજાણ રાખે છે. અજાણ હોવું કે અડધું પડધુ જ્ઞાન હોવું બન્ને ગેરસમજણના રોપા ઉછેરવા માટેની ફળદ્રુપ અવસ્થા છે.

આવીજ કંઈક પાંચ સામાન્ય ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય વિભાના સૈનિક એવા ફાર્મસીસ્ટ(pharmacist) માટે પણ છે જેને ફાર્મસીસ્ટ પોતાના સ્વાભિમાનના ભોગે વર્ષોથી સહન કરતો આવ્યો છે.

1. ફાર્માસીસ્ટ એક દુકાનદાર
દેશમાં મોટાભાગની વસ્તી ફાર્મસીસ્ટને એક દુકાનદારથી વિશેષ માનતી નથી. લોકો એવું જ માને છે કે જેવી રીતે ઘરવાળીએ બનાવી દીધેલુ લિસ્ટ લઈને આપણે કરિયાણુ લાવીએ છીએ એવી જ રીતે ડોકટરે લખી દીધેલ પ્રિસ્ક્રિપ્શન પર આપણે દવાની દુકાનેથી દવા લઈએ છીએ. જોકે લોકોનો વાંક પણ નથી. મોટાભાગના મેડિકલ સ્ટોર પર દવાની દુકાનનો જ બોર્ડ લાગેલો હોય છે તો પછી દવાની દુકાન વાળો ફાર્મસીસ્ટ કેમ કહેવાય, દુકાનદાર જ ગણાયને! આમ પણ આજકાલ કેટલાક કરિયાણાની દુકાને પણ દવાઓ મળી રહે છે તો વળી કેટલાક કહેવાતા મેડિકલ સ્ટોર પણ નાનું મોટું કરિયાણુ રાખતા થઈ ગયા છે!

2. ભણતરની જરૂર નથી
બે દિવસ પહેલા નજીકના એક વડીલ પાસેથી જાણવા મળ્યું કે તેણે પોતાના છોકરાને દસમા ધોરણ ના વેકેશનનો સદઉપયોગ કરવા માટે એક મેડિકલ સ્ટોરમાં શીખવા માટે મોકલવાનું શરૂ કર્યું છે. વડીલના દુરંદેશી આયોજન પ્રમાણે તેણે જણાવ્યું કે કદાચ દસમા ધોરણમાં સારા ટકા ન આવે તો મેડિકલ સ્ટોર ખોલવા થાય ને!!! આવા વડીલો આપણી આજુબાજુ ડગલેને પગલે જોવા મળશે જે માને છે કે દવા વેચવા માટે ફક્ત અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ.
આનાથી વિશેષ કંઈ જરૂર હોતી નથી. વળી કેટલાક ભણેલાગણેલા મહારથીઓ મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ એવી રીતે માંગે છે જાણે પોતે દવાઓ પર પીએચડી કરેલું હોય. આવા ડૉક્ટરેટ મહાનુભાવો રેન્ટેક (Rantac) ને બદલે રાનીટીડીન (Ranitidine) પણ સ્વીકારતા નથી અને મેડિકલ સ્ટોર (દુકાન) બદલી નાખે છે. આવા લોકો એ વાતથી તદ્દન અજાણ હોય છે કે ફાર્મસીસ્ટ પણ એવા જ વિષયોમાં કટીસ્નાન કરીને આવ્યો છે જેમાં ડોકટર ડૂબકી લગાવતા હોય છે.

3. માત્ર દવા ગણી આપે છે
ફાર્મસીસ્ટ તો માત્ર પ્રિસ્ક્રીપ્શન માં લખેલી ટેબ્લેટની સંખ્યા ગણે છે બાકી દવાની સાચી સમજણ તો 'દાગતર' ને જ હોય એવી ગેરસમજ ધરાવતા ભાઈઓ બહેનો પણ દેશમાં વસે છે. આ લોકોના મતે માત્ર દવા મેળવવી જ મહત્વની હોય છે, તે દવાનો શરીરમાં પ્રવેશ કેમ ક્યારે અને કેવી રીતે કરાવવો એ તો પોતે જ નક્કી કરે છે અથવા તો દવા લઈને 'દાગતર' પાસે જશે તો જ આવા દોઢ ડાહ્યાને વાત ગળે ઉતરશે.

4. સરકારી દવાખાના માં કમ્પાઉન્ડર હોય છે.
સરકારી દવાખાનામાં તો ફાર્મસીસ્ટ ની સ્થિતિ વધુ દયનિય છે. જેવી રીતે બાહુબલી 1 ની અભિનેત્રી નો રોલ બાહુબલી 2 માં જેટલો અવગણીને ઓછો કરવામાં આવે છે એવી જ રીતે ફાર્મસીસ્ટ ડોકટર અને બીજા પેરામેડીકલ સ્ટાફ વચ્ચે એટલો દબાઈ જાય છે કે દર્દી માટે તેનો રોલ ખૂબ જ નાનો કરી દેવામાં આવે છે. આથી દર્દીને ફાર્મસીસ્ટનું ખાસુ એક્સપોઝર મળતું નથી. એટલે દર્દી માટે ફાર્મસીસ્ટ એ કમ્પાઉન્ડર જેવો જ ગણાય છે, કહો કે ગણે જ છે. કમ્પાઉન્ડર તરીકે ગણાતા દવાખાનાના આ સેકન્ડ હાઈએસ્ટ ક્વોલિફાઇડ પેરામેડીકલ ફાર્મસીસ્ટ એક નાનકડી બારીએ સંકોચાઈને રહી જાય છે.

5. મારા રોગ વિશે કંઈ જાણતો નથી.
દવા લેતી વખતે દર્દી એવું જ સમજે છે કે દવા ગણવા વાળા આ ભલા માણસને શું ખબર કે મને શું વીતી રહ્યું છે? મારુ દર્દ તો ડોકટર જ જાણે. આવા દયાળુ દિલના ભોળા લોકો એ નથી જાણતા હોતા કે જેવી રીતે ડોકટર રોગના નિદાન પરથી દવા નક્કી કરે છે એવી જ રીતે લખેલી દવા પરથી ફાર્મસીસ્ટ પણ એ નિદાનનું ખૂબ સારી રીતે અનુમાન કરી શકે છે. ફાર્મસીસ્ટ પણ એ જ હોમો સેપિયન્સ ની એનાટોમી અને ફિઝિયોલોજી ભણીને આવ્યા છે જેની ડોકટરોને ભણાવામાં આવી છે. 

આવી ગેરમાન્યતાઓને લીધે જ આજે ફાર્મસીસ્ટ હાંસિયામાં ધકેલાઈ ગયો છે, જે ફરીથી હાંસિયાની બહાર આવવા મથે છે. લોકોની સમજણ શક્તિમાં પોતાનું કર્તવ્ય અને આવડત બેસાડવી એ રાતોરાત થઈ જાય એવી નાનીસૂની વાત નથી. પણ જવાબદારી લોકોની નહીં પણ ફાર્મસીસ્ટની છે કે પોતાની છબીનું નવેસરથી લેમીનેશન કરાવે.

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...