Skip to main content

ભારતમાં ફાર્મસીસ્ટ માટે લોકોની પાંચ ગેરમાન્યતાઓ



આમ તો ગેરમાન્યતાઓને(misconceptions) ભારત સાથે બહુ જૂનો સંબંધ છે આમ છતાં કોઈ પણ ક્ષેત્ર ભારતમાં એવું તો નહીં જ મળે કે જેની સાથે ખોટી ગેરસમજ જોડાયેલી ના હોય. ક્યારેક લોકોની રૂઢિચુસ્ત સમજણ હોય તો ક્યારેક નિરક્ષરતા હોય તો વળી ક્યારેક જાગૃતિનો અભાવ પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણને અજાણ રાખે છે. અજાણ હોવું કે અડધું પડધુ જ્ઞાન હોવું બન્ને ગેરસમજણના રોપા ઉછેરવા માટેની ફળદ્રુપ અવસ્થા છે.

આવીજ કંઈક પાંચ સામાન્ય ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય વિભાના સૈનિક એવા ફાર્મસીસ્ટ(pharmacist) માટે પણ છે જેને ફાર્મસીસ્ટ પોતાના સ્વાભિમાનના ભોગે વર્ષોથી સહન કરતો આવ્યો છે.

1. ફાર્માસીસ્ટ એક દુકાનદાર
દેશમાં મોટાભાગની વસ્તી ફાર્મસીસ્ટને એક દુકાનદારથી વિશેષ માનતી નથી. લોકો એવું જ માને છે કે જેવી રીતે ઘરવાળીએ બનાવી દીધેલુ લિસ્ટ લઈને આપણે કરિયાણુ લાવીએ છીએ એવી જ રીતે ડોકટરે લખી દીધેલ પ્રિસ્ક્રિપ્શન પર આપણે દવાની દુકાનેથી દવા લઈએ છીએ. જોકે લોકોનો વાંક પણ નથી. મોટાભાગના મેડિકલ સ્ટોર પર દવાની દુકાનનો જ બોર્ડ લાગેલો હોય છે તો પછી દવાની દુકાન વાળો ફાર્મસીસ્ટ કેમ કહેવાય, દુકાનદાર જ ગણાયને! આમ પણ આજકાલ કેટલાક કરિયાણાની દુકાને પણ દવાઓ મળી રહે છે તો વળી કેટલાક કહેવાતા મેડિકલ સ્ટોર પણ નાનું મોટું કરિયાણુ રાખતા થઈ ગયા છે!

2. ભણતરની જરૂર નથી
બે દિવસ પહેલા નજીકના એક વડીલ પાસેથી જાણવા મળ્યું કે તેણે પોતાના છોકરાને દસમા ધોરણ ના વેકેશનનો સદઉપયોગ કરવા માટે એક મેડિકલ સ્ટોરમાં શીખવા માટે મોકલવાનું શરૂ કર્યું છે. વડીલના દુરંદેશી આયોજન પ્રમાણે તેણે જણાવ્યું કે કદાચ દસમા ધોરણમાં સારા ટકા ન આવે તો મેડિકલ સ્ટોર ખોલવા થાય ને!!! આવા વડીલો આપણી આજુબાજુ ડગલેને પગલે જોવા મળશે જે માને છે કે દવા વેચવા માટે ફક્ત અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ.
આનાથી વિશેષ કંઈ જરૂર હોતી નથી. વળી કેટલાક ભણેલાગણેલા મહારથીઓ મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ એવી રીતે માંગે છે જાણે પોતે દવાઓ પર પીએચડી કરેલું હોય. આવા ડૉક્ટરેટ મહાનુભાવો રેન્ટેક (Rantac) ને બદલે રાનીટીડીન (Ranitidine) પણ સ્વીકારતા નથી અને મેડિકલ સ્ટોર (દુકાન) બદલી નાખે છે. આવા લોકો એ વાતથી તદ્દન અજાણ હોય છે કે ફાર્મસીસ્ટ પણ એવા જ વિષયોમાં કટીસ્નાન કરીને આવ્યો છે જેમાં ડોકટર ડૂબકી લગાવતા હોય છે.

3. માત્ર દવા ગણી આપે છે
ફાર્મસીસ્ટ તો માત્ર પ્રિસ્ક્રીપ્શન માં લખેલી ટેબ્લેટની સંખ્યા ગણે છે બાકી દવાની સાચી સમજણ તો 'દાગતર' ને જ હોય એવી ગેરસમજ ધરાવતા ભાઈઓ બહેનો પણ દેશમાં વસે છે. આ લોકોના મતે માત્ર દવા મેળવવી જ મહત્વની હોય છે, તે દવાનો શરીરમાં પ્રવેશ કેમ ક્યારે અને કેવી રીતે કરાવવો એ તો પોતે જ નક્કી કરે છે અથવા તો દવા લઈને 'દાગતર' પાસે જશે તો જ આવા દોઢ ડાહ્યાને વાત ગળે ઉતરશે.

4. સરકારી દવાખાના માં કમ્પાઉન્ડર હોય છે.
સરકારી દવાખાનામાં તો ફાર્મસીસ્ટ ની સ્થિતિ વધુ દયનિય છે. જેવી રીતે બાહુબલી 1 ની અભિનેત્રી નો રોલ બાહુબલી 2 માં જેટલો અવગણીને ઓછો કરવામાં આવે છે એવી જ રીતે ફાર્મસીસ્ટ ડોકટર અને બીજા પેરામેડીકલ સ્ટાફ વચ્ચે એટલો દબાઈ જાય છે કે દર્દી માટે તેનો રોલ ખૂબ જ નાનો કરી દેવામાં આવે છે. આથી દર્દીને ફાર્મસીસ્ટનું ખાસુ એક્સપોઝર મળતું નથી. એટલે દર્દી માટે ફાર્મસીસ્ટ એ કમ્પાઉન્ડર જેવો જ ગણાય છે, કહો કે ગણે જ છે. કમ્પાઉન્ડર તરીકે ગણાતા દવાખાનાના આ સેકન્ડ હાઈએસ્ટ ક્વોલિફાઇડ પેરામેડીકલ ફાર્મસીસ્ટ એક નાનકડી બારીએ સંકોચાઈને રહી જાય છે.

5. મારા રોગ વિશે કંઈ જાણતો નથી.
દવા લેતી વખતે દર્દી એવું જ સમજે છે કે દવા ગણવા વાળા આ ભલા માણસને શું ખબર કે મને શું વીતી રહ્યું છે? મારુ દર્દ તો ડોકટર જ જાણે. આવા દયાળુ દિલના ભોળા લોકો એ નથી જાણતા હોતા કે જેવી રીતે ડોકટર રોગના નિદાન પરથી દવા નક્કી કરે છે એવી જ રીતે લખેલી દવા પરથી ફાર્મસીસ્ટ પણ એ નિદાનનું ખૂબ સારી રીતે અનુમાન કરી શકે છે. ફાર્મસીસ્ટ પણ એ જ હોમો સેપિયન્સ ની એનાટોમી અને ફિઝિયોલોજી ભણીને આવ્યા છે જેની ડોકટરોને ભણાવામાં આવી છે. 

આવી ગેરમાન્યતાઓને લીધે જ આજે ફાર્મસીસ્ટ હાંસિયામાં ધકેલાઈ ગયો છે, જે ફરીથી હાંસિયાની બહાર આવવા મથે છે. લોકોની સમજણ શક્તિમાં પોતાનું કર્તવ્ય અને આવડત બેસાડવી એ રાતોરાત થઈ જાય એવી નાનીસૂની વાત નથી. પણ જવાબદારી લોકોની નહીં પણ ફાર્મસીસ્ટની છે કે પોતાની છબીનું નવેસરથી લેમીનેશન કરાવે.

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...