સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એ લગભગ સિત્તેર ટકા લોકોની મજબૂરી હોય છે. આર્થિક રીતે જો સક્ષમ હોય તો એ ક્યારેય સરકારી દવાખાનાના પગથિયાં ચડે નહીં. બીજા વધેલા ત્રીસ ટકા લોકોને સરકારી દવાખાનામાં થયેલ અમુક સારા અનુભવને કારણે આવતા હોય છે જેમાં સૌથી મોટો ફાળો સ્ટાફના વર્તનનો હોય છે.
સરકારી સંસ્થાઓ દ્વારા અપાતી સેવાઓ પૈકી હોસ્પિટલની બાબતમાં લોકોની પહેલી પસંદગી હંમેશા પ્રાઇવેટ સેકટર જ હોય છે. જે એડમિનિસ્ટ્રેશનના કામો સરકારી ઓફિસો સિવાય પ્રાઇવેટમાં શક્ય નથી તેના માટે લોકો અનાયાસે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. પરંતુ જ્યારે વિકલ્પ મળ્યો ત્યારે સરકારી તંત્રથી દૂર ભાગવાની જ લોકોની તૈયારી હોય છે. ખુદ સરકારી તંત્રમાં કામ કરતા લોકો પણ તેની જ સિસ્ટમથી દૂર ભાગતા જોવા મળતા હોય છે.
આ બધા માટે ઉપર કહ્યુ એમ સ્ટાફના વર્તન સાથે પણ કેટલાક ફેક્ટર હોય છે જે આ પસંદગીમાં મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ તેમાં સૌથી મોટો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ છે સ્વચ્છતા.
થોડા દિવસ પહેલા જ પંજાબની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર અને જાણીતા સર્જન ડૉ. રાજ બહાદુરને તેમની જ હોસ્પિટલની ગંદી બેડશીટ પર સુવડાવવામાં આવ્યા. પંજાબના હેલ્થ મિનિસ્ટર દ્વારા બધાની હાજરીમાં આ અનુભવી ડૉકટરનું એવું અપમાન કરવામાં આવ્યું કે બીજા દિવસે આ સર્જને પોતાનું રાજીનામું ધરી દીધું. નેતાઓ દ્વારા લોકોમાં ધાક જમાવવા અને વટ પાડવા આવા પેંતરા થતા હોય છે પણ નેતાઓ આવી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની તસ્દી લેતા હોતા નથી. આ કિસ્સામાં એ સર્જનની ભૂલ એટલી જ હતી કે તેના સફાઈ કાર્યકરો પર તે સરખું સુપરવિઝન રાખી ન શક્યા. આ માટે જવાબદાર સફાઈ કર્મીઓને બદલે સળગતો ડામ આ ડોકટરને સહન કરવો પડ્યો.
આ કિસ્સામાં કોણ સાચું કે કોણ ખોટું તેના રાજકારણમાં ઉતર્યા વગર એક વાત તો તારવી જ શકીએ કે બેડશીટ ગંદી તો ન જ હોવી જોઈએ. કોરોનાકાળમાં પણ આપણે આવા અનેક વાઇરલ વિડિઓ જોયા છે. કોરોનાના શરૂઆતના દિવસોમાં ક્યારેય સરકારી દવાખાનામાં પગ ન મુક્યો હોય એવા લોકોને આઠ થી દસ દિવસ સુધી ગંધાતા બેડશીટ, તૂટેલી છત, ઝૂમતા ભયજનક સિલિંગ ફેન કે વાસ મારતા ટોયલેટ વાળા સરકારી દવાખાનામાં વિતાવવા પડ્યા. હંમેશા પ્રાઇવેટના ચક્કર મારતા આ વીઆઇપી બંધુઓને ત્યારે છેક આરોગ્ય વિભાગની બેદરકારીઓ દેખાઈ અને દરરોજ નવરા પડ્યા પડ્યા વિડિઓ બનાવીને આરોગ્યમાં કામ કરતા લોકોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરેલો. શું આ ખોટું હતું? શું તંત્રની બેદરકારી લોકો સામે લાવવી એ ખોટી બાબત છે? ના. લાવવી જ જોઈએ. પણ પ્રશ્ન એ છે કે આવી જાગૃતિ જ્યારે પોતાના પર આવે ત્યારે જ શા માટે? વર્ષોથી જે ગરીબ પ્રજા આ તૂટેલી સિસ્ટમમાં સેવાઓ મેળવી રહી છે ત્યારે તે લોકોની અપેક્ષાઓ કદાચ આટલી નથી પણ શું તેની સુવિધાઓમાં ગુણવતા ઉમેરાય તેના માટે પ્રયત્ન ન કરવો જોઈએ?
Image Source: Deccan Chronicle |
સરકારી તંત્ર અને સરકાર ખુદ પણ જાણે છે કે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં મોટો ફરક સ્વચ્છતાનો જ છે. જો સરકારી સંસ્થાનો સ્ટાફ પુરેપુરો ભરેલો હોય તો સ્વચ્છતા જાળવીને અને લોકો સાથે સુઘડ વર્તન કરીને પણ તે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર આપી શકે છે. બંને સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા સ્ટાફની કવોલીફિકેશન હમેશા સરખી જ હોય છે. ઉલટાનું સરકારી સ્ટાફ પ્રાઇવેટ સ્ટફા કરતા ક્યારેક વધુ કવોલિફાઇડ હોય છે જેમાં ક્યારેક પ્રાઇવેટ સંસ્થાઓ પોતાના આર્થિક લાભ ખાતર બાંધછોડ કરતી હોય છે. પરંતુ અફસોસ કે જ્યારે સ્વચ્છતાની વાત આવે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને બેસી જાય છે. લોકોનો ઘસારો અને સંખ્યા સરકારી હોસ્પિટલમાં વધુ હોવાથી સ્વચ્છતા જાળવવી એક ચેલેન્જ બની જતી હોય છે. પરંતુ ક્યાંકથી તો શરૂઆત શક્ય છે જ.
અહીં ફક્ત બધું સ્વચ્છ કરવાની જવાબદારી જેમ સફાઈ કર્મીઓની છે તેમ બધું સ્વચ્છ રાખવાની જવાબદારી પણ સામે કાંઠે લોકોની હોય છે જે એ ક્યારેય યાદ રાખતા નથી. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ પહેલા બે થૂંકદાનીઓ રાખવામાં આવી. આમ તો સરકારી સંસ્થાનોમાં તમાકુ ગુટકા પર પ્રતિબંધ જ હોય છે આમ છતાં કોઈના મોંમાં ભરેલ હોય અને દવાખાનમાં પ્રવેશતા તેની અંદર માંહ્યલો રામ જાગે અને તેને એ 'રક્તવર્ણીરસ' થૂંકવાની ઈચ્છા થાય તો સ્ટેન્ડ પર છાતીની હાઈટ પર ગોઠવીને ગેટ પાસે રાખેલી આ થૂંકદાનીમાં થૂંકી શકે. પણ અફસોસ કે આ થૂંકદાની કરતા તેના સ્ટેન્ડ પાસે કલર કામ વધુ જોવા મળ્યું અને થૂંકદાનીનો ઉપયોગ કચરાપેટી તરીકે થવા માંડ્યો. ફરી એકવાર પ્રાઇવેટ દવાખાનાની સરખામણીએ ચડતું અમારું દવાખાનું આ તમાકુવીરોની પિચકારીઓ સાથે બે ડગલાં પાછળ ખસી ગયું.
સુપર ઓવર: લોકો પાસેનો હક્ક અને ફરજની બે બાજુ વાળો સિક્કો શોલે ફિલ્મના અમિતાભ પાસે જે સિક્કો હતો તેના જેવો છે જેને તમે ગમે તેટલો ઉછાળો ફક્ત હક્કની બાજુ જ દેખાશે.
Exactly right... Point to be noted
ReplyDeleteExactly right it's our Ground reality
ReplyDelete👌☑️
ReplyDeleteખુબ જ સરસ
ReplyDelete